ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.

ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.

પ્રશ્ન .
ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.
અથવા
ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો વર્ણવો.
અથવા
ટૂંક નોંધ લખોઃ ગરીબી નિવારણની વ્યુહરચના
ઉત્તરઃ
ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વ્યુહરચના (વિવિધ ઉપાયો) અપનાવી હતી?
દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ “ગરીબી હટાવો’ના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં, દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા !

સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા, જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે. જેમ કે

  1. ધનિક વર્ગ અને મધ્યમવર્ગ પર કરવેરા નાખ્યા.
  2. ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજશોખની, ભોગવિલાસની અને સુખસગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા.
  3. ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી તેમજ એ વસ્તુઓ બજારભાવો કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી (PDS) ગોઠવી. ગરીબોને વાજબી ભાવની દુકાનો’ (Pss) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો વ્યુહ અપનાવ્યો.
  • જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોતધારો, જમીન ટોચમર્યાદાનો કાયદો, ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી, ગણોતનું નિયમન, ખેડહકની સલામતી, જમીનની હદનું સીમાંકન વગેરે જમીનધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીનવિહોણા, ખેતમજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યુહ અપનાવ્યો છે.
  • સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિપેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાનીમોટી સિંચાઈ યોજનાઓ, ગૃહઉદ્યોગો, લઘુઉદ્યોગો, કુટિર ઉદ્યોગો વગેરે શ્રમપ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી.

આ ઉપરાંત, સરકારે કાયદા ઘડીને કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહઉદ્યોગો અને લઘુઉદ્યોગો પૂરતું અનામત રાખ્યું.

  • સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબનિયોજન, સંદેશવ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યોનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બૅન્ક લોનની સગવડ કરી.
  • શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમકેન્દ્રો ખોલ્યાં.
  • યુવક-યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કૉલરશિપ, ફી-માફી, આશ્રમશાળાઓ વગેરેની સગવડ કરી.
  • મહિલા સશક્તીકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *